આ શતાબ્દીમાં ગાંધીજી પછી એવો યુગપુરુષ પેદા થયો જેને કારણે બીજાને માન સન્માન મળ્યા. તેઓ પોતે માન સન્માન માટે પેદા ન હતાં થયા. આ યુગપુરુષ માનવતાના પુજારીને પણ દયાનંદ, શ્રદ્ધાનંદ અને ગાંધીજીના માર્ગે વિચરવું પડ્યું. દેશને જેની ખૂબજ આવશ્યકતા હતી તે મહાન પુરુષ અલ્પ આયુમાં છીનવાઈ ગયા.
અટલજીના શબ્દોમાં "રાજનીતિ તેમના માટે સાધન હતી, સાધ્ય નહિ, એ માર્ગ હતો મંજિલ નહિ."
' એકાત્મ માનવ દર્શન ' પંડિતજીની સર્વશ્રેષ્ઠ ભેટ છે. તેઓએ કહ્યું " ભારતના સામાજિક ઇતિહાસમાં ક્રાંતિ લાવનાર બે મહાપુરુષોની યાદ આવે છે. એક તે જયારે જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મનો સંદેશ લઈને દેશમાં વ્યાપ્ત અનાચાર સમાપ્ત કરવા નીકળ્યા અને બીજા એ કે જયારે ' અર્થશાસ્ત્રની ' કલ્પનાનું ઉત્તર દાયિત્વ લઈને સંઘ રાજ્યોમાં વિખરાયેલ રાષ્ટ્ર શક્તિને સંગઠિત કરીને સામ્રાજ્યની સ્થાપના કરવા ચાણક્ય નીકળ્યા હતાં.
પંડિતજી સાવ સાદા, ખભે ધાબળો અને નાનકડો બગલ થેલોજ હતો. તેમના સાથે બગલ થેલામાં એક ટુવાલ અને એક યા બે જોડી ધોતીકુર્તા આજ એમનો અસબાબ.
એકાત્મ માનવ દર્શનનો વિચાર કોઈ શાસ્ત્રીય સિદ્ધાંતો સિદ્ધાંતનું માત્ર તાત્વિક વિવેચન નથી તે પ્રત્યક્ષ જીવનનું દર્શન છે. તેનો આપણા આચાર - વિચાર સાથે પ્રત્યક્ષ સંબંધ છે. એકાત્મ માનવ દર્શનમાં પંડિતજી બાબતને અભિપ્રેરિત કરવા માંગે છે કે વ્યક્તિને સંકુચિત ન બનવું જોઈએ, અમુક વાડાઓમાં ન જકડાઈ રહીને પોતાના સ્વને ભૂલે પરંતુ આખા વિશ્વને પોતાનું અંગ બનાવીને વિશ્વની પ્રગતિ માટે અધ્યયન કરવું જોઈએ આપણે આપણું યોગદાન આપીને વિશ્વની પ્રગતિ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.
પંડિતજી માને છે કે વ્યક્તિ પાસે ક્ષમતા, શક્તિ, બુદ્ધિ, કૌશલ્ય, જ્ઞાન અને નૈતિકતા જેવા ગુણો હોવા જોઈએ જેથી કરીને તે દુનિયાની પ્રગતિ માટે હંમેશા સહભાગી તેમજ તત્પરતા બનાવી શકે.
પંડિતજીના વિચારો એકાંગી અને સત્યાગ્રહી છે. તેઓ પોતે સ્વયં ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે. પરંતુ સામાજિક સંરચનામાં ઈશ્વરીય સત્તાનો બહુ આગ્રહ રાખતા નથી. તેઓ ' થીઓકેસી ' ના વિરોધી છે. તેઓના અનુસાર શરીર, મન, બુદ્ધિ તથા આત્માને ' વ્યષ્ટિ ' માને છે. આધિભૌતિક શરીર તથા આધ્યાત્મિક ચેતના મળીને મન તથા બુદ્ધિને પ્રકાશિત કરે છે. તે પોતાના એકાત્મ માનવ દર્શનમાં ચાર પુરૂષાર્થોને પોતાનું એકાત્મ માનવ દર્શનમાં મહત્વ આપ્યું છે. અર્થ, કામ, મોક્ષ અને ધર્મને જયારે સંતુલનમાં રાખો ત્યારે ' માનવ 'નું વ્યક્તિકરણ થાય છે.
પંડિતજી માને છે કે વ્યક્તિ નાતો પૃથક રૂપમાં 'પૂર્ણસત્તા 'છે તથા નાતો ' સંપૂર્ણ '. પરંતુ સમષ્ટિની સાથે
' એકાત્મ ' સત્તા છે. સૃષ્ટિ, સમષ્ટિ અને વ્યષ્ટિ એક અભિક્ત ઈકાઈ છે. ઉપરથી જોઈએ તો આ ત્રણેય ઈકાઈઓ તત્ત્વતઃ એકજ છે.
પંડિતજી પોતાના એકાત્મ માનવ દર્શનમાં એવું વિચારે છે કે સુખની કામના એકાંગી નથી તે વ્યક્તિનો વિચાર સમગ્ર દ્રષ્ટિથી કરી તેની અંદરની સદ્પ્રવૃત્તિઓનું ઉન્નત કરવું, વિકાસ કરવો.
પંડિતજી વધુમાં એકાત્મ માનવ દર્શન અંગે એવું પ્રતિપાદિત કરે છે કે તે સંપૂર્ણ દ્રષ્ટિકોણથી વિચાર કરીને વ્યક્તિના સુષુપ્ત ગુણોને ઉત્ત્પન કરે છે. એકાત્મતાની ભાવના વ્યક્તિના સુષુપ્ત ગુણોના પ્રગટીકરણ માટે જવાબદાર છે.
પંડિતજીના અનુસાર એકાત્મ માનવ દર્શનમાં માનવતા ચરાચર સૃષ્ટિ અને અનંત કોટી બ્રહ્માંડની સાથે એકરૂપ થવાની પ્રેરણા આપવી જોઈએ. વધુમાં તેઓના અનુસાર એકાત્મ માનવનો વિચાર એક એવા માર્ગ સાથે દેખાય છે જે માનવને તેના ચિંતન અનુભવ અને સિદ્ધિમાં આગળ જાય.
પંડિતજી અનુસાર અધ્યાત્મ કેવળ ભારત તેમજ હિન્દુ સમાજની પાસે છે. માનવ એકતાના નિર્માણ માટે આ સિદ્ધાંતની રક્ષા કરવી આવશ્યક છે. માનવ એકતાના આધારની રક્ષા માટે હિન્દુ સમાજનું સંગઠન કરવાનું કાર્ય આપણે કરવું પડશે.
પંડિતજી અનુસાર ' એકાત્મ માનવવાદ ' ની પૃષ્ઠભૂમિના બે આયામ છે. પ્રથમ પશ્ચિમનું જીવન દર્શન અને બીજી ભારતીય સંસ્કૃતિ. માનવવાદ મુખ્યત્વે પાશ્ચાત્ય અવધારણા છે તથા એકાત્મતાના ભારતીય પાશ્ચાત્ય પ્રયોગોમાં લૌકિક જીવનનું વૈશિષ્ટય છે. આથી કહી શકાય કે માનવવાદનું ભારતીયકરણની પ્રક્રિયાની ફલશ્રુતિ એકાત્મ માનવવાદ છે.
પંડિતજી વધુમાં જણાવે છે કે આધુનિક વિજ્ઞાન પણ એકાત્મતાના પક્ષમાં છે. હું આ પણ સ્વીકાર કરું છું કે જીવનમાં અનેક્તા તથા વિવિધતા છે. પરંતુ તેના મૂળમાં એકતા છે. તેને બહાર લાવવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્ન પૂર્ણતા વૈજ્ઞાનિક છે.
એકાત્મ માનવવાદનો વિચાર પ્રચલિત વાદોમાં ખોટી નરસી વાતોને દૂર કરી પરિપૂર્ણ બનાવવા માટે થયો છે. આપણે માનવને સમગ્ર અને સંકલિત સ્વરૂપની સાથે થોડો વિચાર કર્યો છે અને આ આધાર પર સંસ્કૃતિના શાશ્વત મૂલ્યોની સાથે રાષ્ટ્રીયતા, પ્રજાતંત્ર અને વિશ્વ એકતાના આદર્શોનો સમન્વય સ્વરૂપમાં કરી શકીએ આના વચ્ચેના વિરોધ નષ્ટ કરીને તે પરસ્પર પૂરક બનશે. માનવ તેમની ખોવાયેલી પ્રતિષ્ઠા અને જીવન ઉદ્દેશને પ્રાપ્ત કરશે.
મારા પીએચ.ડીના સંશોધનનો વિષય " પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું શિક્ષણ ચિંતન " હોવાથી અને હું પણ તેમના વિચારોથી પ્રભાવિત થઈને આ આર્ટિકલ લખવા પ્રેરાયો છું.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો