માનવતાવાદ એ એક એવી વિચારધારા કે દર્શન છે જો માનવમૂલ્યો અને ચિંતન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસારની સમસ્ત પ્રગતિ વિકાસનું જો કેન્દ્રબિંદુ હોય તો તે છે માનવ અને માનવનો સર્વાંગીણ વિકાસ તેની ભૌતિક વિકાસ, પ્રગતિની સાથે સાથે તેની નૈતિક અને આધ્યાત્મિક વિકાસ અને પ્રગતિ જરૂરી છે. વ્યક્તિ માનવસમૂહનો એક અંશ છે. તેના માટે માનવનું માત્ર પોતાના માટે નહિ પરંતુ સંપૂર્ણ સમાજના કલ્યાણ માટે કાર્ય કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના રૂપમાં માનવ આ ચાર પુરુષાર્થોની ચર્ચા કરવામાં આવી છે. આ ચાર પુરુષાર્થ માનવ જીવનમાં યોગ્ય રીતે સાબિત થાય છે. માનવતાનો મુખ્ય આધાર માનવ છે. પશ્ચિમમાં માનવતાવાદને માનનારામાં પ્રોટાગોરસ, હર્ડર, બુકાનન અને ભારતમાં કબીર, નાનક, બુદ્ધ, મહાવીર, રાજારામ મોહનરાય, રવીન્દ્રનાથ ટાગોર, ગોપાલકૃષ્ણ ગોખલે, અરવિંદ ઘોષ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય માનવતાવાદી વિચારધારાને માનતા હતા. કબીર અને નાનક આધ્યાત્મિક માનવતાવાદી હતા. તેઓ પ્રેમ અને ભાઈચારાના આધાર ઉપર વસુધૈવ કુટુંમ્બક્મમાં વિશ્વાસ રાખતા હતા અને વિશ્વકલ્યાણની વાત કરતા હતા.
માનવતાવાદી માનવકલ્યાણ માટે કાર્ય કરે છે. " માનવતાવાદી પ્રકાશની એવી નદી છે જો સીમિત થી અસીમિતની તરફ જાય છે. "
- માનવતાવાદ - અર્થ -
- માનવના ઉચ્ચત્તર મૂલ્યોનો અર્થ એ છે કે સ્વાર્થની ઉપર ઉઠીને બીજાના હિતમાં, બીજાના કલ્યાણ માટે કાર્ય કરવું. એનો અર્થ એ થયો કે માનવ કોઈ ઉપર ક્રોધ, ઘૃણા ના કરે પરંતુ સંસારમાં રહીને એકબીજા સાથે હળીમળીને રહે અને બીજાની સ્વતંત્રતા ઉપર સન્માનની ભાવના રાખે. સમાનતા કે સમાન લાભના સિદ્ધાંતના આધાર ઉપર એકબીજાના માટે સહયોગ કરે, મદદ કરે તથા વાદ-વિવાદ, ઝગડા વગેરે શાંતિથી તેનો ઉકેલ લાવે. લોકોના દુઃખ દર્દમાં સહાયતા કરે, મદદ કરે અને વિકાસ માટે યોગદાન કરે.
માનવતાવાદી માનવકલ્યાણ માટે પોતાનું સર્વસ્વ બીજાના માટે આપી દે છે. જે મનુષ્ય પોતાની અંદર રહેલાં અવગુણો, બુરાઈઓનો સ્વયં પોતે જો નાશ કરે તે માનવ છે. " હું માનવી માનવ થાઉં તો ઘણો. "
માનવતાવાદ દયા, પ્રેમ, કરુણા, અહિંસા, પરોપકારની ભાવના, ત્યાગ, બલિદાન, સહનશીલતા, દાનશીલતા, સદ્દભાવના, ચારિત્રવાન અને ધર્મનું આચરણ કરીને વિશિષ્ટ ગુણોથી તે માનવની સર્વશ્રેષ્ટતા બતાવી શકે છે.
" માનવતા જ એક સાચો ધર્મ છે. "
નાત જાતના ભેદભાવ વિના મનુષ્યને માનવ તરીકે જોવો જોઈએ. સર્વધર્મ સમભાવની લાગણીઓ હોવી જોઈએ.
- માનવતાવાદના પ્રકારો :
1. ભૌતિક માનવતાવાદ : માનવજીવનનું સંપૂર્ણ અધ્યયન અમુક અંશે તેની ભૌતિકતા ઉપરજ કેન્દ્રિત થયું છે. જેમકે માર્ક્સનું અધ્યયન માત્ર ભૌતિક માનવ છે જેમાં આધ્યાત્મિક બાબતો વિશે કોઈ મહત્વ નથી આપ્યું. માર્કસે માનવજાતિની તમામ ગતિવિધિનું કારણ માત્ર ને માત્ર આર્થિક શક્તિને જ માન્યું છે.
2. આધ્યાત્મિક માનવતાવાદ :રવીન્દ્રનાથ ટાગોર આધ્યાત્મિક માનવતાવાદી હતા. રવીન્દ્રનાથ ટાગોરે માનવતાવાદના સંબંધમાં કહ્યું હતું કે મનુષ્યનું દાયિત્વ મહામાનવ માટે છે. તેની કોઈ સીમા નથી. દેશ કેવલ માત્ર ભૌતિક નથી. દેશ એક કલ્પના છે. માનવ માનવનું મિલન માત્ર દેશ છે. વેદોમાં પણ આવુજ કહ્યું છે. ગૌતમ બુદ્ધ, મહાવીર, કબીર, નાનક, મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતી જેવા મહાન ચિંતકોએ પોતાના કાર્ય સમાજના તથા મનુષ્યના હિતકાર્ય માટે કર્યા હતા. જેઓએ લોકો માટે પોતાનું વ્યક્તિગત કાર્ય ધ્યાનમાં ના લેતાં સમાજના ઉત્થાન માટે લગાવ્યું હતું. તેઓના મતે ના કોઈ હિન્દુ, ના કોઈ મુસ્લિમ, ના કોઈ ઈસાઈ, ના કોઈ જૈન, ના કોઈ પારસી, ના કોઈ શીખ પરંતુ માત્ર ને માત્ર એક માનવને માનવના સ્વરૂપને દેખે છે.
3. એકાત્મ માનવતાવાદ :પંડિત દીનદયાલ ઉપાધ્યાયની ચિંતનધારા, વિચારધારામાં તેમની એકાત્મ માનવવાદની એક ઝલક જોવા મળે છે. તેમના અનુસાર વિચારની શરૂઆત માનવથી જ થવી જોઈએ. વ્યક્તિઓના સમૂહથી સમાજની રચના થાય છે. અને જુદા જુદા સમુહોથી ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસને જોડીને એક સબળ રાષ્ટ્ર્રનું નિર્માણ થાય છે. માનવ જાતિની એકતામાં તેમને ખૂબજ વિશ્વાસ હતો. માનવ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આ ચાર પુરુષાર્થો ઉપર ટકેલો છે. તેમને છેવાડાના માનવીનું હિત ઇચ્છયું હતું.
ઉપસંહાર :
આમ માનવતાવાદની વિચારધારા માત્ર ને માત્ર માનવ કલ્યાણ કરવાની, તેના વિકાસમાં યોગદાન આપવાની અને દરેક વ્યક્તિને માનવ તરીકે જોવો તે જ છે. સૌથી મોટો અને મહાન ધર્મ જ માનવતા છે. સૌનું ભલું કરવું એ આપણો જીવન મંત્ર હોવો જોઈએ. જીવનમાં સૌથી છેલ્લે આપણી માનવતા જ કામમાં આવવાની છે. આપણા કરેલા કાર્યો જ કામમાં આવવાના છે. બધું જ છૂટી જવાનુ છે માત્ર ને માત્ર આપણી માનવતા ટકી રહેવાની છે.