ગૌરીશંકર જોષી ' ધૂમકેતુ ' જન્મદિવસ : 12 ડિસેમ્બર
આજનો દિન વિશેષ
ગૌરીશંકર જોષી ‘ધૂમકેતુ' જન્મજયંતિ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ઉપનામ- ધૂમકેતુ ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1892 ના રોજ વીરપુરમાં થયો હતો. એમણે અનેક ગધસ્વરૂપો ખેડયાં છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે જ પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા-લેખનની આબોહવા સર્જાઈ હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આધ પ્રણેતા ગણાયા. ‘તણખા′ મંડળ ૧ થી ૪, ‘અવશેષ’, પ્રદીપ’, ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’, ‘ત્રિભેટો’, ‘આકાશદીપ', પરિશેષ’, ‘અનામિકા’, ‘વનછાયા', પ્રતિબિંબ', “વનરેખા', “જલદીપ', 'વનકુંજ', 'વનરેણુ', 'મંગલદીપ', ‘ચન્દ્રરેખા, ‘નિકુંજ, ‘સાન્ધ્યરંગ”, “સાન્ધ્યતેજ”, “વસંતકુંજ (૧૯૬૪) અને “છેલ્લો ઝબકારો' એ ચોવીસ સંગ્રહોની નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી નવલિકાક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તો વાસ્તવલક્ષી પણ છે. પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકી વાર્તા છે. અમેરીકામાં પ્રકાશીત થતું “stories from many lands”માં તણખા મંડળ -1 માંથી “પોસ્ટ ઓફ઼ીસ” નામક વાર્તાને સ્થાન મળ્યુ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એ ‘ટેનટેલ’ નામની શ્રેષ્ઠ પસંદ કરેલી 10 વાર્તામાં પણ “પોસ્ટ ઓફીસ”નુ સ્થાન છે. “પોસ્ટ ઓફીસ” વાર્તામાં અલીડોસાના પુત્રી-પુત્ર વિરહનો વલોપાત આલેખાયેલો છે તે વિચારબીજ ગોંડલની એક જૂની પોસ્ટઓફીસ પરથી છે. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે. તેમને ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. 11- માર્ચ 1965માં અમદાવાદ ખાતે તેમનું અવસાન થયુ હતુ.
ડો. વિનોદ સત્યપાલ : પ્રોફેસર, અરુણ બાલચંદ વોરા એમ.એડ કોલેજ, રાધનપુર, ' હિંમત વિદ્યાનગર ', જિ. પાટણ, ઉત્તર ગુજરાત.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો